દિલ્હી સરકારના પરિવહન મંત્રીના ઘર સહિત 16 જગ્યાઓ પર આવકવેરા વિભાગના દરોડા
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતના ઘર સહિત 16 સ્થળો પર આજે સવારે આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં.
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતના ઘર સહિત 16 સ્થળો પર આજે સવારે આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં. કહેવાય છે કે કૈલાશ ગેહલોતના ઘરે આ દરોડા ઈન્કમ રિટર્ન્સને લઈને પડ્યાં છે. કૈલાશ ગહેલોતના ઘરે દરોડા બાદ દિલ્હીમાં એકવાર ફરીથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
30 અધિકારીઓની ટીમ દરોડામાં સામેલ
અધિકારીઓએ જણાવ્યું કે દેશની રાજધાની દિલ્હી અને આસપાસના ઓછામાં ઓછા 16 સ્થળો પર લગભગ 30 અધિકારીઓની ટીમ દરોડાની કામગીરી કરી રહી છે. તેમણે જણાવ્યું કે મંત્રી અને અન્ય લોકો સંબંધિત બે વિનિર્માણ ફર્મ્સ વિરુદ્ધ કરચોરીની તપાસ મામલે આ દરોડાની કાર્યવાહી થઈ રહી છે.
દિલ્હી સરકારમાં 3 મંત્રીઓનો કાર્યભાર સંભાળી રહ્યાં છે ગેહલોત
નજફગઢ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ગેહલોત દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારમાં પરિવહન, કાયદા અને મહેસૂલ મંત્રી છે.
આવકવેરા વિભાગના દરોડા બાદ આમ આદમી પાર્ટીએ તરત ટ્વિટ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાંધ્યું. પાર્ટી તરફથી કહેવાયું છે કે આ એક રાજનીતિક એજન્ડાને પૂરો કરવા માટે દરોડા પાડવામાં આવ્યાં છે. આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરીને લખ્યું કે 'અમે જનતાને સસ્તી વીજળી આપી રહ્યાં છીએ, મફત પાણી આપીએ છીએ, સારી શિક્ષણ-સ્વાસ્થ્ય વ્યવ્સ્થા આપી રહ્યાં છીએ, સરકારી સેવાઓ ઘરે ઘરે પહોંચાડી રહ્યાં છીએ અને તેઓ CBI, ED દ્વારા અમારા મંત્રીઓ-નેતાઓના ઘરે દરોડા પડાવી રહ્યાં છે. જનતા બધુ જુએ છે, 2019માં બધો હિસાબ એકસાથે કરશે!'